શેર બને છે,ઘેર બને છે;
એક બનાવો,તેર બને છે.
ઘાણ ઉતારી સપનાંઓનો,
આ તો ઠેરોઠેર બને છે.
જામ ઉપાડો,રામ ઉપાડો;
કેવો સુંદર શેર બને છે!
મસ્તી લાજે હસ્તી કાજે,
મનની એવી લ્હેર બને છે.
અર્થ નિતારે ઉપમાઓનો,
કેવો કાળો કેર બને છે!
માણસ છે ‘ફિરદૌસ’ મજાનો,
એ પણ સાલ્લો ઝેર બને છે?
[...]
Archive for March, 2009
શેર બને છે
March 21, 2009દુનિયા
March 21, 2009જીવે છે,મરે છે;અરે!શું કરે છે!
આ દુનિયાના લોકો હજુ ક્યાં ઠરે છે?
કદી બે’ક રંગીન વાતો કરે છે,
પછી બેખુદીમાં ય આહો ભરે છે.
પળે પળ ભરે તોય ચિંતાના શ્વાસો;
મુસીબત સદાનીય ક્યાં સાથ રે’ છે?
જીવે છે હજુ યે ખુદાની જ રાહે,
જો જન્નત નથી,તો કયા આશરે છે?
ઘડીભર તો થોભો,જરા શ્વાસ ખાઓ;
મુહબ્બતની કશ્તી હજુ લાંગરે છે.
દુશ્મનને-
March 19, 2009માણસ થઈને માણસની તાસીર તો રાખો!
દુશ્મન મારા,દુશ્મન જેવું હીર તો રાખો!
પડછાયાને હોય શરમ ને હોય મલાજો;
સમ ખાવાને નાનું સરખું ચીર તો રાખો!
એમ મર્યે ન કાંઈ શહીદી કહેવાયે છે;
સામા થાવા શોભે એવાં તીર તો રાખો!
એક જ ઉત્તર હોય તમારી ફરિયાદોનો;
શાયર થાવા શાયરની તકદીર તો રાખો!
એમ નહીં ‘ફિરદૌસ’થવાયે,સાંભળજોજી;
દિલને હસ્તક જન્નતની જાગીર તો રાખો!
બોલો છો
March 19, 2009સભાને સાચવી લેવા ગમે તે વાત બોલો છો;
નઠારી જાત ખોલો છો,ન સારી વાત બોલો છો.
ગઝલના ગાલિબો ઉપર નિવેદન આપતાં પહેલાં-
જરા એ સાંભળી લેજોઃવગર ઔકાત બોલો છો.
[...]